← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાવ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાણીએ
પતિની યાદમાં
પગથિયાં ઉતારીને
પાણી સુધી પહોંચવાની
એક કવિતા પથ્થરમાં કોતરી હતી.

સાત માળ નીચે
દેવીઓ, અપ્સરાઓ, દશાવતાર
સદીઓથી
પાણીની રાહ જોતાં ઊભાં છે.

આજે
પગથિયે પગથિયે
સેલ્ફી ઊતરે છે,
ટિકિટબારી પર
ભાવ લખ્યો છે,
ને ગાઇડ કહે છે,
“સાહેબ, અહીં પહેલાં પાણી હતું.”

પાણી ગયું
બોરવેલની પાઇપમાં,
પાઇપ ગઈ
ફાર્મહાઉસના સ્વિમિંગ પૂલમાં,

ને વાવના તળિયે
હવે એક જ વસ્તુ બચી છે —
રાણીની
અધૂરી તરસ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહું જ સારથીઆગલો લેખ →હળવે