← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાસંતી વાયરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાસંતી વાયરાએ ઘૂંઘટ ઉઠાવ્યો, ને
હું તો રે ઊભી રહી ગઈ ઝાંપે!

કેસૂડે ઝાલ્યો મારો પાલવનો છેડો,
આંબાએ મોર ધર્યો કાને;
કોયલ તો ટહુકી, ને પાછળથી કોઈએ
નામ મારું લીધું રે છાને;
ધબકારા ઝાલું ત્યાં ઝાલરી વાગી,
હૈયું રે ઉછળ્યું મારું આપે…
હું તો રે ઊભી રહી ગઈ ઝાંપે!

સાંજે આકાશ થયું અંગૂરી રંગનું,
ધરતીએ ઓઢ્યો ગુલાલ;
ગામને પાદર કોઈ પાવો વગાડે,
ભૂલી રે ગઈ હું મારી ચાલ;
પગલાં તો મૂકું ઘર બાજુ, ને મનડું,
વાડે વાડે ને વાટે વાટે વ્યાપે…
હું તો રે ઊભી રહી ગઈ ઝાંપે!

પરાગ કહે, વસંત આવી ઘર આંગણે,
કેમ કરી રાખું રે બારી બંધ?
ફૂલ ફૂલ પૂછે છે, ‘કોની છે તું?’
ને હું ય ભૂલી ગઈ મારી ગંધ;
આખી રે સાંજ મારી ફોરમ થઈ ગઈ,
હવે કોણ મને પાછી આપે?
હું તો રે ઊભી રહી ગઈ ઝાંપે!

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકહેજે મનેઆગલો લેખ →ચાલ તું