વૉટ્સએપનો વરસાદ
હવે વરસાદ
વૉટ્સએપ પર પડે છે.
સવારે ઊઠીને જોઉં તો
ત્રેવીસ વીડિયો —
કોઈનું આંગણું ભીંજાયું,
કોઈની અગાસી પર મોર નાચ્યો,
કોઈએ ભજિયાંનો ફોટો મૂક્યો.
હું ભીંજાયા વગર
સૌને ‘લાઇક’ કરું છું.
બારી બહાર
ખરેખર વરસાદ પડે છે,
પણ મારી પાસે
છત્રી છે, એસી છે,
ને મીટિંગ છે.
નાનપણમાં
પહેલો વરસાદ પડતો
ત્યારે બા
ઓસરીમાં વાટકો મૂકતી —
‘આકાશનું પાણી, પવિત્ર.’
આજે
આકાશ પાસે પાણી છે,
પણ મારી પાસે
વાટકો નથી,
ને ઓસરી પણ નથી.
– પરાગ રતનપરા