હાજરી
આ સભામાં ના ગણાતી સ્હેજ મારી હાજરી,
હું ગયો, ત્યારે બની એ સાવ ભારી હાજરી.
દેશ છોડ્યો, ગામ છોડ્યું, તોય ઘરના ઓરડે
રોજ સાંજે બા ઉઘાડે એક બારી: હાજરી.
આંગળી મૂકું મશીને, ને પછી ઊંઘું ભલે,
ચિત્ત ભટકે ક્યાંક, તોયે થાય સારી હાજરી.
બાપુ ગ્યા, પણ આંગણે તુલસી હજી લીલી રહી,
એમના હાથે ઉગેલી એક ક્યારી: હાજરી.
હું નહીં હોઉં, ‘પરાગે’ જે લખી છે, એ ગઝલ,
ત્યાં તમે પામી શકો છો એક પ્યારી હાજરી.
– પરાગ રતનપરા
#ગઝલ #હાજરી #ગેરહાજરી #સ્મૃતિ #પિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Presence #AbsenceFelt #Remembrance #Legacy #ParagRatanpara