← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉનાળો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉનાળો
શહેરના લોકો માટે
એ.સી.નું બિલ છે,
બરફગોળાની લારી છે,
હિલસ્ટેશનનું બુકિંગ છે.

ઉનાળો
છાપામાં
પારાનો આંકડો છે,
ટીવી પર
‘સાવચેત રહો’ની પટ્ટી છે.

અને ઈંટના ભઠ્ઠા પાસે
બેઠેલી કમુ માટે
ઉનાળો
કપાળેથી ટપકતું
એ જ ખારું પાણી છે,
જે એ
બાળકના હોઠ પર
ભૂલથીય ન પડે
એમ
સાડલાના છેડે
ઝટપટ લૂછી નાખે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવાલમ વાદળઆગલો લેખ →ખાલી કટોરો