તું નથી
આ સુગંધી ઓરડો, ને તોય ઘરમાં તું નથી,
જ્યાં જુઓ ત્યાં તું જ, ને તોયે નજરમાં તું નથી.
રેલના પાટા સમો આ સાથ વરસોનો હતો,
સાથ ચાલે છે છતાં, મારી સફરમાં તું નથી.
રોજ છાપામાં તને શોધું, મળે તારું ય નામ,
વિશ્વ આખું છે અહીં, બસ એ ખબરમાં તું નથી.
સાથ દેશું મોત બાદે, એ વચન દીધું હતું,
એકલો સૂતો અહીં છું, આ કબરમાં તું નથી.
આ ‘પરાગે’ ફૂલની મ્હેકે તને શોધ્યા કરી,
મ્હેક પણ છે, ફૂલ પણ, બસ એ અસરમાં તું નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #વિરહ #ગેરહાજરી #સ્મરણ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Absence #Separation #Longing #LostLove #ParagRatanpara