તું હતો
શાળા, રમત, મેળા મહીં, સઘળી ખુશીમાં તું હતો,
પ્હેલો પ્રણય, પ્હેલી નજર, એની ગલીમાં તું હતો.
સાફો સજી, ઘોડે ચડી, નાચ્યા બધા ઢોલે, પછી
મંડપ, વિદાયે, આંસુની, એ હર ઘડીમાં તું હતો.
વરસો ગયાં, પરદેશમાં ઘર ને નગર બદલી ગયાં,
પાકીટમાં પીળી પડી જૂની છબીમાં તું હતો.
ઠંડી ચિતા, ભીની નજર, હું એકલો ઊભો હતો,
રાખે ભરેલી હાથમાં કાળી નદીમાં તું હતો.
મિત્રો ગયા, મેળા ગયા, જોયું પરાગે બાગમાં,
ઊગી હતી જે ડાળ પર, ઝીણી કળીમાં તું હતો.
– પરાગ રતનપરા
#ગઝલ #મિત્ર #દોસ્તી #સંગાથ #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Friendship #BestFriend #Companionship #Memories #ParagRatanpara