પાદર ભૂલી ગ્યા
શહેર ગયા ને સાયબા, તમે પાદર ભૂલી ગ્યા,
ખેતર ભૂલ્યા, ખળાં ભૂલ્યાં, મારાં ઝાંઝર ભૂલી ગ્યા.
જતી વેળાએ કીધું’તું: ‘બે મહિને પાછો આવું,’
બાર મહિના વીત્યા, હજી ના કાગળ, ના કો’ લ્હાવું;
ડેલીએ બેસી ગણું દા’ડા, તમે અવસર ભૂલી ગ્યા…
શહેર ગયા ને સાયબા…
ફોનમાં તમે બોલો અંગ્રેજી, હું ના સમજું વાત,
‘બિઝી છું’ કહી મૂકી દ્યો, ને લાંબી લાગે રાત;
માટીના આ હાથની ઠંડી રોટલી-ભાખર ભૂલી ગ્યા…
શહેર ગયા ને સાયબા…
પરાગ કહે: આ શહેર તો સૌને આપે નામ ને દામ,
પણ લઈ લે છે ભીતરનું એ ભોળું ભોળું ગામ;
સાયબા, ગજવાં ભરી ભરીને તમે ઘર ભૂલી ગ્યા…
શહેર ગયા ને સાયબા…
– પરાગ રતનપરા