તું હજી
વાળમાં ચાંદી ભલે, મારી જવાની તું હજી,
આંખમાં મેં સાચવેલી એ નિશાની તું હજી.
એક છત્રી, બે જણા, ને મેઘ ગાજે મોકળો,
આજ પણ એ સાંજની ભીની કહાની તું હજી.
જિંદગી ઘરખર્ચમાં ખરચાઈ ગઈ આખી ભલે,
સાંજની ચા જેમ સાદી ને મજાની તું હજી.
તું ગણે મારી દવા, હું પણ ગણું તારી હવે,
આ દવાઓમાં ય મીઠી, ને સુહાની તું હજી.
લાખ ગઝલો આ પરાગે શબ્દમાં ગૂંથી ભલે,
એ ગઝલની એક સાચી તો રવાની તું હજી.
– પરાગ રતનપરા
#ગઝલ #દાંપત્ય #પ્રેમ #ઘડપણ #સાથ #પરાગરતનપરા
#GujaratiGhazal #LifePartner #AgelessLove #GrowingOldTogether #Companionship #ParagRatanpara