← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તૃપ્તિ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફાઇવ સ્ટાર હોટલના
બુફેમાં
એકસો બત્રીસ વાનગીઓ હતી.

શેઠે દરેકમાંથી
એક એક ચમચી ચાખી,
પેટ ભરાયું નહીં,
મન પણ નહીં.
ઓડકારને બદલે
એમણે ઍન્ટાસિડ લીધી.

હોટલની પાછળ
કચરાપેટી પાસે
એક મજૂરે
છાપામાં વીંટેલો
ઠંડો રોટલો ને ડુંગળી ખોલ્યાં,
પાણી પીધું,
અને ઝાડ નીચે
લાંબો થઈને
એવો ઓડકાર ખાધો
કે આખી ગલી
ધરાઈ ગઈ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખરણ અને સાગરઆગલો લેખ →ગોદડી