ટ્રેનમાં ગાતી છોકરી
અમદાવાદ–વડોદરા ઇન્ટરસિટી.
એક છોકરી, આઠેક વરસની,
બે પથ્થર ખખડાવીને
ગાય છે કોઈ જૂનું ફિલ્મી ગીત —
અડધા શબ્દો ખોટા,
સૂર આખો સાચો.
કોઈ ફોનમાં,
કોઈ છાપામાં,
કોઈ ઊંઘમાં.
એક બહેને સિક્કો આપ્યો,
એક કાકાએ મોં ફેરવ્યું.
નડિયાદ આવ્યું, એ ઊતરી ગઈ.
પછી આખો ડબ્બો
પહેલાં જેવો જ —
ફોન, છાપાં, ઊંઘ.
ફક્ત મને યાદ રહી ગયું:
ગીતમાં જ્યાં જ્યાં ‘મા’ શબ્દ આવતો,
ત્યાં ત્યાં
એનો અવાજ
જરાક ફાટી જતો હતો.
– પરાગ રતનપરા