ઓગળે
એક દીવો ભીતરે, ને ‘હું’ય જાતે ઓગળે,
જેમ ઝાકળ પાંદડે પ્હેલા પ્રભાતે ઓગળે.
પૂતળી જે ખારની, ચાલી હતી સાગર તરફ,
માપવાનો મોહ મૂકી, એક રાતે ઓગળે.
વેર વર્ષોનું, અને માની ઉપાડી ઠાઠડી,
ખાંધ દીધી બેઉએ, ને રક્તનાતે ઓગળે.
પર્વતો જેવો અહમ્ મારો, છતાં બાળક હસે,
તોતડા એના વચનની એક વાતે ઓગળે.
તર્ક સોથી ના ગળે, એ પથ્થરો પણ, હે પરાગ,
સ્નેહના હળવા, અમીના એક ઘાતે ઓગળે.
– પરાગ રતનપરા
#ગઝલ #સૂફી #અહંકાર #પ્રેમ #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Sufi #MeltingEgo #PowerOfLove #Surrender #ParagRatanpara