ટ્રેડમિલ
દાદા રોજ
ગામથી તાલુકે ચાલીને જતા —
નવ માઈલ જવું, નવ માઈલ આવવું.
રસ્તે આંબા, વડ, કૂવો,
ને કોઈ મળે તો
બીડી ને બે વાત.
બાપુજી સાઇકલે જતા.
હું ગાડીમાં જાઉં છું —
જિમ સુધી.
ત્યાં એક મશીન પર
અડધો કલાક ચાલું છું,
કાન પર ઇયરફોન,
સામે દીવાલ,
ને સ્ક્રીન પર ઝબકે છે:
‘તમે ૩ કિલોમીટર ચાલ્યા.’
ક્યાં?
ક્યાંય નહીં.
દાદા નવ માઈલ ચાલીને
ક્યાંક પહોંચતા હતા.
હું ત્રણ કિલોમીટર ચાલીને
ત્યાં ને ત્યાં જ ઊભો છું —
ને એના પૈસા પણ ભરું છું.
– પરાગ રતનપરા