← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાંપણની પાળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પાંપણે પાળ બાંધીને બેઠી, આંસુડાં ના ઢોળ્યાં,
સાસરિયે સૌ હસતી ભાળે, મનડાં કોણે ખોળ્યાં?

પિયરનો ઝાંપો યાદ આવે ત્યાં ચૂલે ધુમાડો વધારું,
‘ધુમાડે આંખ્યું બળે છે’ કહીને ઢાંકું દુઃખ મારું;
બાપુના ખેતરની માટીએ સપનાં મેં ઝબોળ્યાં…
સાસરિયે સૌ હસતી ભાળે…

માનો કાગળ આવે ત્યારે પાણિયારે જઈ વાંચું,
ઘડો ભરું ને સાથે ભરું હૈયું સાચું સાચું;
ભીની ઈંઢોણીએ મેં મારાં મોતીડાં સંકોર્યાં…
સાસરિયે સૌ હસતી ભાળે…

પરાગ કહે: આ દીકરીઓ તો દરિયો લઈને ફરતી,
કાંઠે ઊભા લોકો જોતા, લહેર ન એકે તરતી;
રોયા વિનાનાં આંસુ જેણે ઝીલ્યાં, એણે જીવતર તોળ્યાં…
સાસરિયે સૌ હસતી ભાળે, મનડાં કોણે ખોળ્યાં?

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆવ્યું આખરેઆગલો લેખ →ટ્રેડમિલ