ત્રણ ગુના
હે ઈશ્વર,
મારા ત્રણ ગુના માફ કરજે.
એક:
તું બધે છે, એવું ભણ્યો,
છતાં તને મળવા
ટિકિટ લઈ લાઇનમાં ઊભો રહ્યો.
બે:
તું શબ્દોથી પર છે, એવું જાણ્યું,
છતાં તારે માટે
આરતીનાં ત્રણ પાનાં ગોખ્યાં.
ત્રણ:
તું ભૂખ્યાના પેટમાં છે, એવું સાંભળ્યું,
છતાં
છપ્પન ભોગ
તારી મૂર્તિને ધર્યા,
ને દરવાજે બેઠેલા
છોકરાને
‘આગળ જા’ કહ્યું.
આ ત્રીજા માટે,
ખાસ,
માફ ન કરતો.
– પરાગ રતનપરા