← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ત્રાજવું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કરિયાણાની દુકાને
એ છોકરો
રોજ
બસો ગ્રામ લોટ લેવા આવે છે.

દુકાનદાર
ત્રાજવું
થોડું નમાવી દે છે,
જાણે
ભૂલથી.

છોકરો
ભૂલ જોઈ લે છે,
પણ કશું બોલતો નથી.
ગરીબી
બહુ વહેલી
શીખવી દે છે
કે કેટલીક ભૂલો
ઉપકાર કરતાં
વધારે માનભરી હોય છે.

ઘેર
મા
એ લોટમાંથી
પાંચ રોટલી બનાવે છે,
ને પોતે
‘આજ મારે ઉપવાસ છે’
કહી દે છે.

આ ગામમાં
ઉપવાસ
ધરમથી નહીં,
ત્રાજવાથી નક્કી થાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઅમસ્તાંઆગલો લેખ →લાડકડી