← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તોફાન છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બ્હાર તો સૌ શાંત છે, પણ ઓરડે તોફાન છે,
વૃક્ષ ઊભું છે અડીખમ, પાંદડે તોફાન છે.

રાજધાની ગાય ગીતો રોજ ઝરમર મેઘનાં,
ને નદીકાંઠે ગરીબી-ઝૂંપડે તોફાન છે.

બાપની સળગે ચિતા, ને દીકરો છે મૌન, પણ
આંખ કોરી, હોઠ ભીડ્યા, લાકડે તોફાન છે.

વાવડો આવ્યો, વિદેશી દીકરો આવે નહીં,
ડોસલીની આંખમાં, આ ખોરડે તોફાન છે.

આ ‘પરાગે’ શબ્દને આકાર દીધો મૌનથી,
કુંભ જેવો શાંત, પણ એ ચાકડે તોફાન છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ભીતરનુંતોફાન #મૌન #વેદના #સર્જન #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerStorm #SilentPain #Grief #CreativeProcess #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપંખીઆગલો લેખ →પૂજારીજી