તો ગઝલ થઈ
ઝૂંપડીની ચીસ રાતે સાંભળી, તો ગઝલ થઈ,
આ ધરા આખી અચાનક ખળભળી, તો ગઝલ થઈ.
મા નથી, બસ ઓસરીમાં એક ખુરશી છે હજી,
યાદ એની આંખમાંથી ઓગળી, તો ગઝલ થઈ.
ફૂટપાથે એક બાળક ભૂખથી રડતું હતું,
મા ઉપાડી ના શકી, એ ટળવળી, તો ગઝલ થઈ.
વર્ષ લગ બોલ્યાં નહીં, ને આજ બોલ્યાં ‘કેમ છો?’
મૌનની જે હિમશિલા, એ પીગળી, તો ગઝલ થઈ.
આ ‘પરાગે’ શબ્દ પણ ઝાકળ સમા વીણ્યા હતા,
કોઈની આંખો જરા જ્યાં ઝળહળી, તો ગઝલ થઈ.
– પરાગ રતનપરા
#ગઝલ #ગઝલનુંકારણ #પીડા #સંવેદના #સર્જન #પરાગરતનપરા
#GujaratiGhazal #WhyIWrite #Empathy #PoetryOfPain #Creation #ParagRatanpara