માડી
મીઠી મીઠી શેરડી ને મીઠો મધપૂડો રે લોલ,
એથી મીઠો માડી તારો ઝૂલતો ઝૂલો રે લોલ.
ચૂલે બળતી ઝાળ સમી તું, તોય ટાઢી છાંય,
પાંપણ પાછળ પીડ છુપાવે, હસતી રહે સદાય;
ભૂખ્યું રહે તું પંડ, ને ભરતી અમને રોટલો પૂરો રે લોલ…
મીઠી મીઠી…
તાવ ચડે તો રાતભર તું પોતાં મૂકે ભાલે,
ઊંઘમાંય તારો હાથ ફરે છે મારા વાંકડિયા વાળે;
દેવ-દેરે શું શોધું, માડી? તું જ મારો મંદિરિયો રે લોલ…
મીઠી મીઠી…
પરાગ કહે: આ જગના મેળે રમકડાં બહુ ભાળ્યાં,
ચાંદા-સૂરજ સઘળાં તારી આંખોમાં અજવાળ્યાં;
માડી, તારા ખોળા જેવો ક્યાંય નથી રે ખૂણો રે લોલ…
મીઠી મીઠી…
– પરાગ રતનપરા