તો ભીતરે
ઘંટ, દીવો, ધૂપ, શંખો, મંદિરો તો ભીતરે,
કેમ શોધું બ્હાર જઈને? ઈશ્વરો તો ભીતરે.
ઝાંઝવાંની પાછળે દોડ્યો તરસ લઈ રણ મહીં,
આંખ મીંચી ત્યાં હતા સૌ સાગરો તો ભીતરે.
ટોચ પર ઝંડો ખુશીથી રોપતાં જાણ્યું, અરે!
જે ચડાવાના ખરા, એ ડુંગરો તો ભીતરે.
પાંખ લઈને ઊડવાને સૌ ચહે આકાશમાં,
પણ ખરેખર ઊડવાનાં અંબરો તો ભીતરે.
આ પરાગે ગ્રંથ ફંફોસ્યા, ઘણી પોથી પઢી,
પણ ગઝલના સૌ ખરા એ અક્ષરો તો ભીતરે.
– પરાગ રતનપરા
#ગઝલ #અધ્યાત્મ #આત્મખોજ #ભીતર #સૂફી #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerJourney #SeekWithin #Spirituality #SelfDiscovery #ParagRatanpara