કૃષ્ણ – ૨૦૨૬
કાનુડો આવ્યો આ કળિયુગમાં, હાથે લઈ મોબાઇલ,
વાંસળી મૂકી ખૂણામાં, ને ચાલુ કરી પ્રોફાઇલ!
ગોપીઓ સૌ ‘ઑનલાઇન’, ને રાધા ‘ટાઇપિંગ…’ કરતી,
માખણ હવે તો ફ્રીઝમાં, ને મટકી ધૂળમાં ઠરતી;
ગાયો ગઈ ગૌશાળામાં, ગોકુળ ચાલે નવી સ્ટાઇલ…
કાનુડો આવ્યો…
જમના કાંઠે ફૅક્ટરી, ને પાણી થયું છે ઝેરી,
કાળીનાગ કહે: ‘ભાઈ, મારાથી ય વધુ આ વેરી!’
ગોવર્ધન પર ટાવર ઊગ્યો, સિગ્નલ મળે માઇલ-માઇલ…
કાનુડો આવ્યો…
પરાગ કહે: આ ‘કાનો ૨.૦’ મલક્યો, ને બોલ્યો હળવે:
‘ગીતા તો મેં કહી’તી, પણ સાંભળે કોણ આ કલરવે?’
પછી ફોન મૂકીને વગાડી વાંસળી — ગામ આખું કરી ઊઠ્યું સ્માઇલ…
કાનુડો આવ્યો…
– પરાગ રતનપરા