← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તિરાડમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફૂટપાથની તિરાડમાં
એક બીજ
કોણ જાણે ક્યાંથી આવી પડ્યું.

ઉપર
રોજ હજારો પગ.
નીચે
ડામર, પથ્થર, ગરમી.

એણે
કોઈને અરજી ન કરી,
પરવાનગી ન માગી.

બસ, એક સવારે
બે લીલાં પાન
ઉઘાડી દીધાં —
જેમ કોઈ બાળક
ભીડમાં
હાથ ઊંચો કરે:
‘હું પણ છું.’

હવે લોકો
એને કચડતા નથી,
જરા વળીને ચાલે છે.

ક્યારેક
જગ્યા
માગવાથી નહીં,
ઊગવાથી મળે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખબે મિનિટઆગલો લેખ →મા, તું ગઈ