← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઠૂંઠાનું ગીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નદીની વચ્ચે ઊભું રે ઠૂંઠું, લીલાં સપનાં ભૂલી,
વહેતાં જળને જોયા કરે ને ડાળ્યું રાખે ખૂલી.

એક જમાને આ જ ઠૂંઠે કોયલ ટહુકા વેરે,
છાંયે બેસી ગોવાળિયો વાંસળી લઈને લહેરે;
પૂર આવ્યું ને પાન ગયાં, ગઈ ડાળ્યું ઝૂલી ઝૂલી…
નદીની વચ્ચે…

જળ કહે છે, ‘ચાલ મારી સંગ, દરિયો દેખાડું’,
ઠૂંઠું કહે, ‘મૂળ મારાં અહીંયાં, કેમ કરી ઉખાડું?’
વહી જવું તો સહેલું છે, પણ ઊભા રહેવું શૂળી…
નદીની વચ્ચે…

પરાગ કહે: આ ઠૂંઠે આજે બગલો આવી બેઠો,
સૂકી ડાળે જીવતરનો એક સફેદ ટહુકો પેઠો;
મરતું ઝાડ પણ કોઈકનો તો આધાર બની ગ્યું ફૂલી…
નદીની વચ્ચે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખનાનું પડેઆગલો લેખ →ઝૂંપડીનો આવકાર