નાનું પડે
તું હસે તો ઓસરીનું આંગણું નાનું પડે,
ને રડે તો આંખનું આ બારણું નાનું પડે.
ગામથી ઊડી ગયો પરદેશ મોટો દીકરો,
હા, હવે મા-ગોદનું આ પારણું નાનું પડે.
એકલો છું, ને શિયાળો હાડમાં પેસી ગયો,
આગ ચાંપું વન મહીં તો, તાપણું નાનું પડે.
આ ગટરમાં એટલાં કૌભાંડ છે સરકારનાં,
ઢાંકવા જો જાવ તો આ ઢાંકણું નાનું પડે.
આ પરાગે આખરે માનો જ પાલવ ઓઢિયો,
એ પછી તો આભનું પણ ઓઢણું નાનું પડે.
– પરાગ રતનપરા
#ગઝલ #મા #પરદેશ #એકલતા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #MothersLap #Diaspora #Loneliness #Satire #ParagRatanpara