ટેકો
બાએ મને
આંગળી પકડીને
ચાલતાં શીખવ્યું હતું.
હું પડતો,
તો એ હસતી —
‘ઊભો થા, બેટા, ધરતી તો ઝીલે જ.’
આજે બા
લાકડીને ટેકે ચાલે છે,
ને મારા ટેબલ પર
ત્રણ વૃદ્ધાશ્રમનાં
રંગીન ચોપાનિયાં પડ્યાં છે —
‘સ્વચ્છ ઓરડા, સમયસર ભોજન,
દર રવિવારે ભજન.’
રાતે બા પૂછે છે:
‘મારા ચશ્માં ક્યાં મૂક્યાં, ભઈલા?’
હું ચોપાનિયાં
ધીમેથી કચરાપેટીમાં સરકાવું છું,
ને બાની આંગળી પકડું છું.
ધરતી તો ઝીલે જ, બા —
પણ આજે
વારો મારો છે.
– પરાગ રતનપરા