ટીપું
વાદળમાંથી
એક ટીપું છૂટ્યું.
ડરતું હતું —
‘હું તો આટલું નાનું,
આટલી મોટી ધરતી પર
મારું શું થશે?’
પડ્યું
એક સૂકા પાંદડા પર.
પાંદડું
ધ્રૂજ્યું, ચમક્યું.
ત્યાંથી સરક્યું
માટીમાં.
માટી
એક ક્ષણ માટે
મહેકી ઊઠી.
ત્યાંથી
એક બીજ સુધી.
બીજ
આંખ ઉઘાડી બેઠું.
ટીપું તો
ખોવાઈ ગયું,
કોઈએ એનું નામ
ન જાણ્યું.
પણ આજે
એ ખેતરમાં
લહેરાતા ઘઉંના
દરેક દાણામાં
થોડું થોડું
એ ટીપું
હસે છે.
સમયના દરિયામાં
હું પણ
એવું જ એક ટીપું છું —
બસ,
કોઈક બીજ સુધી
પહોંચી જાઉં.
– પરાગ રતનપરા