ટીપું
આંખની પાળ પર
એક ટીપું
ક્યારનું ઊભું છે —
કૂદવું કે નહીં,
એ નક્કી નથી કરી શકતું.
નીચે
ગાલની ઢાળ છે,
પછી હડપચીનો ખડક,
ને પછી
સીધું
કાગળ પર.
કાગળ પર
મેં હમણાં જ લખ્યું છે:
‘હું બરાબર છું.’
ટીપું
એ વાક્ય પર પડશે
તો
અક્ષર ફેલાઈ જશે,
ને મારું જૂઠ
પકડાઈ જશે.
એટલે
હું પાંપણ મીંચી દઉં છું —
ટીપું
પાછું
અંદર ચાલ્યું જાય છે,
જ્યાં
એવાં કેટલાંય
કૂદવાની રાહ જોતાં
ઊભાં છે.
– પરાગ રતનપરા