તે પછી
તું મળી રસ્તે, ન લાગ્યું ક્યાંય આ મન તે પછી,
શ્વાસ ચાલે છે, છતાં મારું નથી તન તે પછી.
પાનખર બેઠી હતી કૈં સાલથી આ બાગમાં,
આંખમાં ખીલ્યું અચાનક એક ઉપવન તે પછી.
ભીડમાં પણ હું હતો એકાંતમાં વર્ષો સુધી,
આપણા લાગ્યા મને અણજાણ સૌ જન તે પછી.
હાથ ખાલી, ઘર ય ખાલી, ગાંઠ પણ ખાલી હતી,
તું હસી, ને આંગણે ઢગલો થયો ધન તે પછી.
નામ તારું જ્યાં પરાગે શ્વાસમાં ઘૂંટ્યું જરા,
દેહ મારો થઈ ગયો આખો ય ચંદન તે પછી.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રથમપ્રેમ #મિલન #ધબકાર #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #FirstSight #LoveAtFirstSight #Heartbeat #Romance #ParagRatanpara