લાફિંગ ક્લબ
સવારે છ વાગ્યે
બગીચાના ખૂણે
વીસ જણ ગોળ ઊભા રહે છે
ને હાથ ઊંચા કરીને
‘હા… હા… હા…’ કરે છે.
કોઈને ઘૂંટણ દુખે છે,
કોઈને દીકરો ફોન નથી કરતો,
કોઈની પેન્શનની ફાઇલ
ત્રણ વરસથી ટેબલ પર છે.
પણ ડૉક્ટરે કીધું છે:
હસવાથી બી.પી. ઘટે.
એટલે
સૌ નિયમિત હસે છે,
ઘડિયાળ જોઈને,
વીસ મિનિટ.
પછી ઘરે જઈને
આખો દિવસ
ગંભીર થઈને
બાકી રહેલું જીવન
જીવી નાખે છે.
– પરાગ રતનપરા