← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટપાલી નિવૃત્ત થયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગલીનો ટપાલી
ગયા મહિને નિવૃત્ત થયો.
વિદાયમાં કોઈએ શાલ ઓઢાડી,
કોઈએ કહ્યું: ‘હવે આરામ કરજો, કાકા.’

હવે ગલીમાં
સાઈકલની ઘંટડી નથી વાગતી,
કોઈ બારીએથી
‘મારો કાગળ?’ નથી પુછાતું.

પણ સાંજે
લીમડો રોજ
પીળાં પાંદડાં ખેરવે છે —
ઓટલે, આંગણે, અગાસીએ,
એક એક ઘર આગળ
જાણે સરનામું જોઈને.

બા એ પાંદડાં ઉપાડી
ચશ્માં ચડાવી
ધ્યાનથી જુએ છે,
પછી કહે છે:
‘આ વખતે પણ
દીકરાનો કાગળ નથી.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસફરમાંઆગલો લેખ →કરોળિયો