તણખો
રાખ થઈ ગ્યું ઘર બધું, પણ એક તણખો છે અહીં,
ભીંત સઘળી ભોંય પર, પણ આ ઝરૂખો છે અહીં.
તેં વિદાયે સૌ વસંતો સાથમાં લીધી હતી,
તોય ટહુકો એક નાનો, આ અનોખો છે અહીં.
ચિત્રગુપ્તે ચોપડા સઘળા ઉકેલ્યા, તે છતાં
આ દુવાઓનો ન ચૂક્યો એક લેખો છે અહીં.
રોશનીના ઝળહળાટો આજ ઘરમાં છે ભલે,
ઓરડે માના સમયનો દીપ ઝાંખો છે અહીં.
બાગ લૂંટાયો, ભ્રમર સૌ મધ ભરી ઊડી ગયા,
ફૂલ પર તો આ પરાગ જ પ્રેમભૂખો છે અહીં.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #સ્મૃતિ #વિરહ #અવશેષ #પરાગરતનપરા
#GujaratiGhazal #WhatRemains #Hope #Memory #UndyingLove #ParagRatanpara