નીંદરપરી
આવો રે નીંદરપરી, મારા લાલને આંગણ આવો,
રૂપેરી પાંખે ઊડીને ચાંદાની ગાડી લાવો.
તારલિયાની ઝૂલ બનાવી, વાદળનું ઓશીકું,
પવન પાથરે પાંદડાં, ને રાત ગાયે ઝીણું ઝીણું;
આંખે મીઠું આંજણ આંજો, ઊંઘનું કાજળ લાવો…
આવો રે નીંદરપરી…
સપનામાં લઈ જાજો એને સાકરના ડુંગર પર,
જ્યાં ચકલી ગાતી હોય ને નાચે મોરલો ઘર ઘર;
પણ પરોઢ થાતાં પહેલાં પાછો મારે ખોળે લાવો…
આવો રે નીંદરપરી…
પરાગ કહે: પરીઓ તો આવે, ને પાછી ઊડી જાય,
પણ માના ખોળા જેવી પરી ક્યાંય ન દેખાય;
ઊંઘ ભલે ને પરી લાવે, હાલરડું તો મા ગાય…
આવો રે નીંદરપરી…
– પરાગ રતનપરા