તણખલું
એક ચકલી
ચાંચમાં તણખલું લઈ
સત્તરમા માળની બારીએ આવી.
બારી કાચની હતી —
બંધ, ચોખ્ખી, ચકચકિત.
એણે ત્રણ વાર ટકોરા માર્યા.
કાચમાં પોતાનું જ પ્રતિબિંબ જોઈ
એને થયું,
અંદર કોઈ બીજી ચકલીએ
ઘર બાંધી લીધું છે.
એ પાછી વળી ગઈ —
તણખલું ત્યાં જ, પાળી પર મૂકીને.
સાંજે બારી ખોલું છું,
તણખલું જોઉં છું,
ને મને લાગે છે —
કોઈ મારા ઉંબરે
આખું ગામ મૂકી ગયું છે,
પાછું લેવા ન આવવાની શરતે.
– પરાગ રતનપરા