તારો ભૂતકાળ
તારી ડાયરીનાં
કેટલાંક પાનાં
ગુંદરથી ચોંટાડેલાં છે.
મેં ક્યારેય
એ ઉખાડવાની કોશિશ નથી કરી.
મને ખબર છે,
એમાં કોઈ વરસાદ હશે
જેમાં તું મારા વગર ભીંજાઈ હતી,
કોઈ સાંજ હશે
જેમાં કોઈ બીજાએ
તારા વાળમાં ફૂલ ખોસ્યું હતું.
મને ઈર્ષ્યા નથી થતી.
કારણ કે
એ બધા વરસાદે
તારી માટી પોચી કરી,
એ બધી સાંજોએ
તારી આંખમાં
આટલી ઊંડી સાંજ મૂકી,
જેમાં આજે
હું
ઘર બાંધીને રહું છું.
– પરાગ રતનપરા