તારી સહી
ફાગણ તણી ડાળી ઉપર લખતી હવા તારી સહી,
ઝાકળ બની ફૂલો ઉપર કરતી ઉષા તારી સહી.
કોયલ તણા ટહુકા મહીં, મ્હોરેલ આંબાની મહીં
ગાતી ફરે છે ગામમાં આખી દિશા તારી સહી.
કોરો હતો કાગળ છતાં સમજી ગયો હું વાતને,
ખૂણે પડેલી આંસુની ભીની કથા તારી સહી.
ઝૂલો હજી ઝૂલ્યા કરે આંગણ મહીં એ લીમડે,
ભીનાં હતાં પગલાં કદી, એ છે સદા તારી સહી.
જે મ્હેક વાતી બાગમાં, એ તો પરાગે ઓળખી,
એ ફૂલ વાસંતી તણી, મ્હેકી દુઆ તારી સહી.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #વસંત #સ્મરણ #પ્રિયતમા #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveEverywhere #Spring #Remembrance #BelovedsSignature #ParagRatanpara