પર્વ છે
રોજ ઘા તાજો મળે છે, ને સ્મરણનું પર્વ છે,
આંસુ પણ દીવા બની ઝળકે, રુદનનું પર્વ છે.
એ વિદાયે જે ઢળી’તી, સાંજ એ પાછી ઢળે,
ઓસરી સૂની પડી છે, ને વિરહનું પર્વ છે.
ગામ આખું ઊંઘતું, ને ચાંદ પણ જાગે નહીં,
એક મારા ઓરડે તો જાગરણનું પર્વ છે.
ઘાવનાં તોરણ લટકતાં ઉંબરે મારા, જુઓ,
પીડ આવી છે પરોણી, આગમનનું પર્વ છે.
આ પરાગે દર્દમાં પણ મ્હેક વેરી છે સદા,
ફૂલ ખરશે તોય આજે આ પવનનું પર્વ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વિરહ #પીડા #સ્મરણ #ઉત્સવ #પરાગરતનપરા
#GujaratiGhazal #FestivalOfPain #Separation #Memories #Longing #ParagRatanpara