તારી ગલી
બાળપણથી એક ધૂને ચાલતો તારી ગલી,
શ્વાસનો આ કાફલો પણ માગતો તારી ગલી.
પાઠશાળાએ જવાનો માર્ગ ભૂલીને સદા,
બાળપોથી હાથમાં લઈ ભાગતો તારી ગલી.
ઊંઘ આવી ના મને, ને ચાંદ પણ સૂતો નહીં,
રાતભર મારી જ સાથે જાગતો તારી ગલી.
થઈ વિદા તું સાસરે, ને ગામ આખું ઊજવે,
હું ય ઢોલી સંગ ખોટું નાચતો તારી ગલી.
આ પરાગે ફૂલ સૂંઘ્યાં વિશ્વનાં, પણ આજ લગ
મ્હેક જે ના ઓસરે, એ આપતો તારી ગલી.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #પહેલોપ્રેમ #વિરહ #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #FirstLove #Longing #Heartbreak #Memories #ParagRatanpara