પૂર
નદીએ તે રાતે
ગામનાં બધાં ઘર
માપી લીધાં —
કોઈનું ગળા સુધી,
કોઈનું છાપરા સુધી.
સવારે
સરકારી માણસો
ચોપડામાં આંકડા લખતા હતા:
પાણી કેટલા ફૂટ ચડ્યું.
એક સ્ત્રી
લીમડાની ડાળે
ભીની સાડીમાં બેઠી હતી,
ખોળામાં કોરું બાળક.
એને કોઈએ પૂછ્યું નહીં,
પણ સાચો આંકડો
એની પાસે હતો:
પાણી
માના હાથ સુધી ચડ્યું,
બાળક સુધી નહીં.
– પરાગ રતનપરા