તાપણું
પોષની રાતે
ગામના ચોકમાં તાપણું.
ચારે બાજુ હાથ લંબાવીને બેઠેલા
બે ડોસા, એક ચોકીદાર,
ને એક રખડતું કૂતરું.
કોઈ કશું બોલતું નથી.
લાકડાં તડતડ બોલે છે,
ને તણખા
આકાશમાં જઈ તારા બનવાની
નિષ્ફળ કોશિશ કરે છે.
સવારે
રાખમાં હાથ નાખીને
એક છોકરો
ગઈ રાતની હૂંફ શોધે છે.
ગામ આખું
એ જ રાખ જેવું છે —
ઉપરથી ઠરેલું,
અંદરથી હજી ગરમ.
– પરાગ રતનપરા