પાદરનો વડલો
ગામને પાદર ઊભો મારો ઘરડો વડલો રે,
વડવાઈએ ઝૂલે મારો બાળપણનો દડલો રે.
ઉનાળે ઠંડો છાંયો દે, ચોમાસે છત થઈ ઝૂકે,
પંખીઓના માળા ઝૂલે, ગાયો બેસી વાગોળ મૂકે;
ઓટલે જામે ડાયરો, ને હુક્કો ગગડે ધીરે ધીરે રે…
ગામને પાદર…
દીકરી વળાવી ત્યારે એણે ઝીણાં ઝીણાં આંસુ ખેર્યાં,
પરદેશ ગયેલાં છોરાંનાં સૌ પગલાં એણે સંઘર્યાં;
હજી ય ઊભો વાટ જુએ, કોઈ આવે પાછું ક્યારે રે…
ગામને પાદર…
પરાગ કહે: રોડ પહોળો કરવા આવ્યા કરવતવાળા,
ગામ આખું વળગી પડ્યું, થઈ વડવાઈનાં જાળાં;
વડલો બચે તો બચશે ગામ, ને બચશે ગામની છાયા રે…
ગામને પાદર…
– પરાગ રતનપરા