← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટાંકણું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામનો સલાટ
પહાડ તોડવા નહોતો નીકળતો;
એ તો પહાડને
સાંભળવા નીકળતો.

પથ્થર પર કાન માંડીને
ટકોરા મારતો —
ક્યાં પોલું છે,
ક્યાં ગાંઠ છે,
ક્યાં પથ્થર પોતે જ
તૂટવા માગે છે.

પછી એક જ ઘા —
ને શિલા
સફરજનની જેમ
બે ફાડિયાં થઈ જતી.

અમે શહેરવાળા
ડાયનેમાઇટ લઈને આવ્યા,
ધડાકા કર્યા,
આખો ડુંગર ધ્રૂજાવી નાખ્યો,
પણ રસ્તો ન બન્યો;
ભૂસ્ખલન બન્યું.

સલાટ હસીને બોલ્યો:
‘સાહેબ, પહાડ તોડવો હોય
તો પહેલાં
પહાડને સમજવો પડે.
માણસનું પણ એવું જ.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખએક ખૂણોઆગલો લેખ →સહેલું છે?