← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તાનપૂરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉસ્તાદ ગયા.
એમનો તાનપૂરો
ખૂણામાં ઊભો છે.

હું રોજ સવારે
એને મેળવું છું —
સા, પ, સા…

ત્રણ તાર
બરાબર બોલે છે.
ચોથો તાર
થોડો ઊતરેલો છે.

મેં એને
જાણી જોઈને
એમ ને એમ રહેવા દીધો છે.

ઉસ્તાદ કહેતા:
‘બેટા, સૂર બધા સાચા હોય,
તો સંગીત પૂરું થઈ જાય.
થોડું અધૂરું રાખજે —
ત્યાંથી જ ઈશ્વર ગાય છે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખડુંગરની દીકરીઆગલો લેખ →બાજી