તાળું નથી
આવજો, બેસો ઘડી, આ ઓરડે તાળું નથી,
દિલ સમું ખુલ્લું અમારું, ખોરડે તાળું નથી.
શેઠના મ્હેલે સિપાહી, શ્વાન, તાળાં, સાંકળો,
ચોર પણ હસતો ફરે છે, ઝૂંપડે તાળું નથી.
રાતભર ઝાકળ ઉતારો લઈ શકે આ ઝાડ પર,
કોઈ પણ બેસી શકે, આ પાંદડે તાળું નથી.
બાગમાં બે વૃદ્ધ આવી રોજ બેસે સાંજના,
એકલાપો વાંટવા, એ બાંકડે તાળું નથી.
આ પરાગે મ્હેક વેરી, કોઈ પણ લૂંટી શકે,
માલણે મૂકેલ ખુલ્લી છાબડે તાળું નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #ઉદારતા #મહેમાનગતિ #ગરીબી #ખુલ્લુંહૃદય #પરાગરતનપરા
#GujaratiGhazal #OpenHeart #Hospitality #Generosity #NoLocks #ParagRatanpara