નવું ઘર
નવું ઘર લીધું, ને જૂનું ઘર મનમાંથી ના જાય,
ચાવી ખિસ્સે નવી, ને હાથ જૂની સાંકળે જ જાય.
નવી ટાઇલ્સ, નવો રંગ, ને ઝગમગતું અજવાળું,
પણ ચકલી પૂછે: ‘ક્યાં છે નેવું? માળો ક્યાં હું ઢાળું?’
લિફ્ટમાં ઊભાં રહીએ, કોઈ ‘રામ રામ’ ના કહેવાય…
નવું ઘર લીધું…
જૂના ઘરની ભીંતે મારી ઊંચાઈની લીટી,
દર દિવાળીએ બાપુ માપે, ઊભો રહેતો સીધી;
નવા ઘરમાં ભીંત સુંવાળી, ક્યાંય ન લીટી દેખાય…
નવું ઘર લીધું…
પરાગ કહે: ઘર ઈંટનું નહીં, ઘર તો સાંજનો સાદ,
બા બોલાવે ‘જમવા આવો’, એ જ ઘરની યાદ;
જ્યાં કોઈ રાહ જુએ છે, ત્યાં જ ઘર કહેવાય…
નવું ઘર લીધું…
– પરાગ રતનપરા