તાલીમ
નિશાળમાં પહેલે દિવસે
શીખવ્યું:
હાથ બાંધો,
મોં પર આંગળી,
લાઇનમાં ચાલો.
કૉલેજમાં શીખવ્યું:
સવાલ ન પૂછો,
જવાબ ગોખો.
નોકરીમાં શીખવ્યું:
‘જી, સાહેબ’
‘હા, સાહેબ’
‘બરાબર, સાહેબ’.
સાઠ વરસની તાલીમ પછી
હું ઝૂકતાં
બરાબર શીખી ગયો.
હવે
મારો પૌત્ર
પહેલી વાર ઊભો થયો છે —
ડગમગતો, પડતો,
પણ માથું ઊંચું રાખીને.
હું એને
કશું શીખવવાનો નથી.
આ વખતે
હું એની પાસેથી
શીખવાનો છું.
– પરાગ રતનપરા