સુંદરકાંડ
દાદા રોજ સાંજે
સુંદરકાંડ વાંચતા —
મોટેથી, લહેકાથી,
ચશ્માં નાકની ટોચે રાખીને.
અમને એમાં
કંઈ સમજાતું નહીં.
અમે તો રાહ જોતા
હનુમાનજી ક્યારે
સમુદ્ર કૂદે —
કેમ કે ત્યારે દાદા
ઊભા થઈ
હાથ ઊંચા કરી
‘જય સિયારામ!’ બોલતા,
ને અમે ખડખડાટ હસતા.
દાદા ગયા.
પોથી કબાટમાં ગઈ.
ગઈ કાલે
મારો દીકરો
પરદેશ જવા નીકળ્યો.
એરપોર્ટ પર
એ ગેટ તરફ ચાલ્યો
ત્યારે
મારાથી અજાણતાં જ
હાથ ઊંચા થઈ ગયા.
‘જય સિયારામ!’ —
હું મનમાં બોલ્યો.
હવે સમજાયું:
દાદા દરરોજ
કોઈ ને કોઈ
દરિયો કૂદાવતા હતા.
– પરાગ રતનપરા