કોનો વાંક?
કોનો કાઢું વાંક, રે સખી, કોનો કાઢું વાંક?
એક ગલીથી બે મારગ ફંટાયા, જેવો નદીનો ફાંક.
એ ચાલ્યો ઉગમણી કોરે, હું આથમણી ચાલી,
બેઉના હાથે દીવા હતા, તોય વાટ રહી ખાલી;
પાછું વળીને જોયું ત્યાં તો વચ્ચે ઊગ્યો ઝાંખ…
કોનો કાઢું વાંક…
એને દરિયો ગમતો’તો, મને ડુંગરની ધાર,
એને મોજાંનો ઘોંઘાટ, મને ઝરણાંનો સાર;
કોઈ ન ખોટું, કોઈ ન સાચું, બેઉની સરખી આંખ…
કોનો કાઢું વાંક…
પરાગ કહે: ના વાંક કોઈનો, ના કોઈનું પાપ,
પંખી ઊડે ત્યારે માળો રહી જાય છે આપોઆપ;
ભીંજાયેલી પાંખે ઊડવું, એ જ રહ્યો છે આંક…
કોનો કાઢું વાંક…
– પરાગ રતનપરા