સુખ હતું
લીંપણે મ્હેક્યા કરે એ ઓસરીમાં સુખ હતું,
રોટલા સાથે મળેલી બાજરીમાં સુખ હતું.
ગીત ગાતી જ્યાં જતી પાણી ભરીને દીકરી,
માથડે એના છલકતી ગાગરીમાં સુખ હતું.
ચોકમાં દીવા બળે ને ઢોલ ધમકે રાતભર,
ઘૂમતાં ગરબે રણકતી ઝાંઝરીમાં સુખ હતું.
આજ ગાડી, બંગલો ને ડૉલરોની છે ચમક,
તોય પ્હેલી પાંચસોની નોકરીમાં સુખ હતું.
આ પરાગે શ્હેરમાં શોધ્યું ઘણું, પણ ના મળે,
સાંજ ટાણે ગાયની એ ટોકરીમાં સુખ હતું.
– પરાગ રતનપરા
#ગઝલ #સુખ #ગામડું #સ્મૃતિ #સાદગી #પરાગરતનપરા
#GujaratiGhazal #SimpleJoys #VillageLife #Nostalgia #RealHappiness #ParagRatanpara