← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાધુની ઝૂંપડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નાની તે ઝૂંપડી ને નાનું રે બારણું, ઊંચો તે સાધુનો સાદ રે,
મેં તો ઝૂકીને જોયું ત્યાં આભ રે…

ઘાસનું છાપરું ને માટીની ભીંતડી, ખૂણે બળે એક દીવો,
સાધુ કહે: ‘બેટા, પાણી પી લે, પછી નિરાંતે જીવો;’
લોટો ભરીને એણે ધર્યું રે પાણી, મીઠો એ લાગ્યો સ્વાદ રે…
મેં તો ઝૂકીને જોયું ત્યાં આભ રે…

મહેલો ને માળિયાં મેં ઘણાં રે જોયાં, ઊંચા ઝરૂખા ને દ્વાર,
ઊંચે ચડ્યો, તોય નીચો રહ્યો હું, હૈયે ભર્યો અહંકાર;
ઝૂંપડીએ શીશ મારું નમ્યું રે જ્યાં, ઓગળ્યો આખો વિવાદ રે…
મેં તો ઝૂકીને જોયું ત્યાં આભ રે…

પરાગ કહે: જે ઝૂકીને પેસે, એને જ ઊંચું દેખાય,
અક્કડ ઊભો એ બારણે અથડાય, પાછો વળી જાય;
સાધુની ઝૂંપડી નાની ભલે ને, ભીતર અનંતનો નાદ રે…
મેં તો ઝૂકીને જોયું ત્યાં આભ રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસુખ હતુંઆગલો લેખ →ગુજરાતની માટી