ગુજરાતની માટી
મારી ગુજરાતની માટી રે, એમાં મીઠું, મધ ને માન,
એની ધૂળમાં ઊગે ગીત, એની હવામાં ગાંધીનું ગાન.
સાબરના કાંઠે સંત બેઠા, રેવાને તીર તપ,
ગિરના ડુંગરે સિંહ ગરજે, દરિયે દરિયે જપ;
કચ્છના રણમાં ચાંદની રેલે, સોરઠમાં સન્માન…
મારી ગુજરાતની માટી રે…
નરસૈયાની કરતાલ વાગે, મીરાંનો એકતારો,
દુહા, સાખી ને ભજનવાણીનો ગામેગામ ઉતારો;
વેપારીની આંખમાં ત્રાજવું, પણ હૈયામાં ભગવાન…
મારી ગુજરાતની માટી રે…
પરાગ કહે: ભલે જઈએ અમેરિકા કે લંડન,
થેપલાં સાથે બાંધી લઈએ ગુજરાતનું સ્પંદન;
પરદેશે પણ ગરબો ગાજે, ત્યાં જ અમારું સ્થાન…
મારી ગુજરાતની માટી રે…
– પરાગ રતનપરા